મુખ્ય બજારની દુકાનમાં ખાતર પાડીને રૂ . ૧૦,૮૮૦ ની રોકડ ચોરી ફરાર
ધંધૂકાની દુકાનમાંથી તસ્કરોએ વજનદાર તિજોરી કોમ્પ્લેક્સની ખુલ્લી જગ્યામાં લાવી હાથફેરો કર્યો
ઠક્કર ચેમ્બર્સમાં ચોરોએ કસબ અજમાવ્યોઃ રંજાડ વધતા પ્રજામાં ફફડાટ
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ધંધૂકા શહેરમાં ફારૂક ટોકીઝથી શાકમાર્કેટ તરફ જવાના માર્ગ પર આવેલ ઠક્કર ચેમ્બર્સમાં તસ્કરોએ ખાતર પાડીને દુકાનમાંથી રૂ . ૧૦૮૮૦ ની રોકડ રકમની ચોરી થયા સબબની ફરિયાદ ધંધૂકા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે . ધંધૂકા શહેરમાં મે . નવીનચંદ્ર હિરાલાલ ઠકકરની પેઢીમાં તસ્કરોએ દુકાનના શટર તોડી અંદર ઘૂસીને રોકડ રકમની ચોરીની ઘટના નોંધાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે . બજારોમાં પણ દરરોજ નાની મોટી ચોરીની ઘટનાઓ નોંધાઇ રહી છે . ખાંડ અને અનાજના વેપારીની પેઢીમાં મોડી રાત બાદ એક કરતા વધારે
તસ્કરોએ ત્રાટકીને દુકાનના શટર ખોલી દુકાનના ટેબલમાં મુકેલી રોકડ રકમ ચોરી કર્યા બાદ દુકાનમાં રહેલ મોટી વજનદાર તિજોરીને ઉઠાવીને કોમ્પ્લેક્ષની ખુલ્લી જગ્યામાં લાવી આડી લારી મુકીને આરામથી તોડી તેમાં ખાંખાખોળા કર્યા હતા . પરંતુ કાગળો સિવાય કાંઇ ન મળતા અંતે તિજોરી મુકીને રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયા હતા.આ મામલે દુકાન માલિક દ્વારા ધંધૂકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે . બનાવને પગલે પીઆઇ સી.બી. ચૌહાણ ઘટનાસ્થળે જઇ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી ચોરીની ઘટના સદર્ભે ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતોને પણ તપાસ માટે જાણ કરવામાં આવી હતી .
જે માર્ગ જે સવારના ૩ વાગ્યાથી જ શાકમાર્કેટના વેપારીઓથી ધમધમતો હોય તે માર્ગ પર આવેલ કોમ્પ્લેક્ષમાં તસ્કરો આરામથી ચોરીની ઘટનાને અંજામ આપી નાસી છૂટતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે . થોડા દિવસ આગાઉ ધંધૂકા ના પ્રખ્યાત રાયણુવાળા મેલડી માતાજીના મંદિર ખાતે પણ તસ્કરોએ બિન્દાસ્ત રીતે માતાજીના ચાંદીના છત્ર અને રોકડની ચોરી કર્યાની ઘટના ઘટી હતી.બજારોમાં લગ્નસરાની સિઝનમાં ખુબ ભીડ હોય છે.ત્યારે દુકાનોમાંથી ગઠિયાઓ દ્વારા મોબાઇલ ફોનની ઉઠાતરી તો સાડીઓની ચોરીની ઘટનાઓ પણ સામે આવી છે.ત્યારે પોલીસ તસ્કરો અને ઉઠાવગીરો પર સંકજો કસે તેવી માંગ ઉઠવા પામી છે .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment