ડીસાશહેરમાં રૂ.૨૫૦ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું
બનાસકાંઠાના જિલ્લાના હાર્દ સમા ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ અર્થે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે ફોર લેઇન ફ્લાય ઓવર બ્રિજનું ભૂમિપૂજન કેન્દ્રીય માર્ગ પરિવહન રાજય મંત્રીશ્રી મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લાવાસીઓને સંબોધતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડીસા શહેરમાં રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર એલીવેટેડ ફ્લાય ઓવર બ્રિજથી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ સાથે અકસ્માતમાં ઘટાડો થશે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે શહેરમાં આકાર પામનાર આ બ્રિજથી પાંચ જિલ્લા અને ૧૮ તાલુકાની પ્રજાને સીધો લાભ થશે.
વધુમાં તેમણે કેન્દ્ર સરકાર શાસનમાં થયેલ વિકાસની વાત કરતાં જણાવ્યું હતુ કે વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા દેશમાં ભારત સૌથી અગ્રેસર છે. દેશના ૮૦૦ જિલ્લાઓમાં વિકાસના કામો થઇ રહ્યાં છે અને સરકારના નાંણાનો પ્રજાના વિકાસ અર્થે સીધો ઉપયોગ થઇ રહ્યો છે.
સરકાર દ્વારા ગત વર્ષે રૂ. ૬૫૦ લાખના જ્યારે આ વર્ષે રૂ. ૭૫૦ લાખથી વધુના રસ્તાઓના નિર્માણ કાર્ય હાથ ધરાયા છે. તેમણે જણાવ્યું હતુ કે કેન્દ્રની આ સરકાર ૨૧મી સદીને અનુરૂપ કામ કરી રહી છે.
તેમણે અગાઉની સરકારની થયેલા કામની વાત કરતા જણાવ્યું હતુ કે ૬૮ વર્ષ દરમ્યાન માત્ર ૯૨ હજાર કિલોમીટરના રસ્તા બન્યા હતાં. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં એક લાખ કિલોમીટરથી વધુના રસ્તાઓનું નિર્માણ થયું છે. જેમાં ૪૦ હજારના કિલોમીટરના નેશનલ હાઇવેનો પણ સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યુ હતું કે વિશ્વમાં સૌથી વધુ માર્ગ- પરિવહનના કામો ભારતમાં થઇ રહ્યા છે એ આપણા ભારતવાસીઓ માટે ગર્વની વાત છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે માત્ર માર્ગ જ નહિ પરંતુ એરપોર્ટ અને બંદરોના નિર્માણ કરવાનું કાર્ય આ સરકાર કરી રહી છે. અગાઉના સમયમાં માત્ર ૬૩ એરપોર્ટ હતા જ્યારે છેલ્લા થોડા જ વર્ષોમાં ૩૭ નવિન હવાઇ મથકોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેને લઇ હવાઇ મુસાફરી સસ્તી બનતા સામાન્ય લોકો પણ તેનો લાભ લેતા થયા છે. જેમાં આજ દિન સુધી ૧૦ હજાર કરોડથી વધુ લોકોએ હવાઇ મુસાફરીનો લાભ લીધો છે.
તેમણે દરીયાઇ માર્ગના વિકાસની વાતને ઉમેરતા જાણાવ્યું હતું કે ૧૪૦૦ કિલોમીટરના દરીયાઇ માર્ગની સુવિધા વધારતા વેપાર-ઉધોગના વિકાસને વેગ મળ્યો છે. મંત્રીશ્રીએ કેન્દ્રના સર્વગ્રાહી બજેટની વાત કરતા જણાવ્યું હતુ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત જ્યારે ખેડૂતોને તેમના ઉપજના સારા ભાવ મળી રહે તેવા અસરકારક આયોજન સાથેનું નક્કર કામ આ સરકાર કરી રહી છે.
તેમણે ખેડૂતોના હિતની વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ૧૨ કરોડ કિસાનોને વાર્ષિક ૬ હજાર ચુકવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. તો વળી ગરીબ વર્ગને પેન્શન યોજના હેઠળ આવરી લઇ તેમને આર્થિક સહાય આપવાનું કામ કર્યુ છે
આયુષ્યઆમાન ભારતની યોજનાની વાત કરતા જણાવ્યું હતુ કે દેશના ગરીબ-મધ્યમ વર્ગ સારવારના અભાવે મૃત્યુ ના પામે તે માટે ૫૦ કરોડ લોકોને રક્ષા ક્વચ હેઠળ આવરી લેવાયા છે
વધુમાં તેમણે જિલ્લામાં વિકાસ થનાર વિકાસની વાત કરતા જણાવ્યુ હતુ કે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થના ઇકોનોમી કોરીડોર તથા થરાદમાંથી પસાર થનાર બાયપાસ રોડનું આગામી ટૂંક સમયમાં નિર્માણ પામશે તેવી જાહેરાત કરી હતી.
ફોરલેઇન ઓવરબ્રિજના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં આગામી સમયમાં રૂ.૮૮૫ કરોડથી વધુ વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે. જ્યારે રૂ. ૫૦૦ કરોડથી વધુ રેલવેના વિકાસ અર્થે ખર્ચ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ. આ પ્રસંગે પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી પરબતભાઇ પટેલ તથા ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ. કાર્યક્રમમાં શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ તથા અગ્રણીઓ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભૂમિપૂજન પ્રસંગે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન, અગ્રણીશ્રી માવજીભાઇ સહિત આગેવાનો, આસપાસના ગ્રામજનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊




No comments:
Post a Comment