ઊંઝાથી રૂ.15 લાખનું જીરું ભરીને ચેન્નાઇ જવા રવાના થયેલી ટ્રકને અમદાવાદ બોપલબ્રિજ પાસે રોકી પોતાની જીએસટી અધિકારી તરીકે ઓળખ આપી રૂ.6 લાખની માંગણી કર્યા બાદ મહેસાણાના પાલાવાસણા પાસે પૈસા લેવા આવેલા ઠગ ટોળકી પૈકી એક શખ્સને ઊંઝા પોલીસે છટકું ગોઠવી દબોચી લીધો હતી. પકડાયેલો જનક ગમારા નામનો શખ્સ અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક હોવાનું ખુલ્યું હતું. જ્યારે તેની સાથે અન્ય ત્રણ શખ્સોમાં બે ગોતાના અને એક ઊંઝાનો હોવાનું ખુલતાં પોલીસે ચારે સામે ગુનો નોંધી ફરાર ત્રણ જણાની શોધખોળ હાથ ધરી છે.
ઊંઝાના પરસોતમનગરમાં રહેતા અને ગંજબજારમાં મા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મેનેજર પટેલ સંજયકુમાર પ્રહલાદભાઈએ શનિવારે રાત્રે 10 વાગે 9 ટન જીરું (300 કટ્ટા) રૂ.15 લાખનો માલ ટ્રક (AP 39 TF 0179)માં ચેન્નાઈ મોકલવા રવાના કર્યો હતો. જે ટ્રક રાત્રે 1.30 વાગે અમદાવાદ બોપલ બ્રિજની બાજુના રોડ પરથી પસાર થતી હતી ત્યારે રોડની બાજુમાં ઊભેલા 3 માણસોએ ટ્રક રોકાવી ડ્રાયવરને તેના માલિક સાથે વાત કરાવવાનું કહ્યું હતું. જેમાં પોતે જીએસટી અધિકારી રઘુવીર અને તેમના સાહેબ જગરાણાએ ટ્રક રોકી હોવાનું જણાવ્યું હતું. ટ્રાન્સપોર્ટના મેનેજરે આપેલા નંબરથી વાત કરતાં રૂ.6 લાખ માંગી બધું પતાવી દઈશ પૈસા લઇને બોપલ આવી જાવ એમ રઘુભાઈ નામના શખ્સે જણાવ્યું હતું. જોકે, સંજયભાઇને શંકા જતાં તેમણે પૈસા લઈ બોપલ તો ના આવી શકીએ પણ મહેસાણા આસપાસ આવો તો પતાવી દઈએ એમ જણાવી મહેસાણા પાલવાસણા ચોકડી 8758232931 ઉપર સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું.
આથી સંજય પટેલે ઊંઝા પોલીસને સાથે રાખી મહેસાણા પાલવાસણા ચોકડી જઈ આપેલા નંબર ઉપર ફોન કરતાં ફોન ઉપર વાત કરતાં એક વ્યક્તિ આવ્યો હતો, જેને પકડી ઊંઝા પોલીસ મથક લાવી પૂછપરછ કરતાં રઘુભાઈ નામક વ્યક્તિ જનક ભોળાભાઈ ગમારા (ભરવાડ) હોવાનું અને તે અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક હોવાનું ખુલ્યું હતું. તેની વધુ પૂછરપછ કરતાં પોતાની સાથે જેઠાભાઇ ભરવાડ (રહે.ગોતા), સુપ્રીમ પટેલ (ઊંઝા) અને જીગી ભરવાડ (રહે.ગોતા) હોવાનું કબુલ્યું હતું. આથી પોલીસે જનક ગમારાની ધરપકડ કરી હતી. આરોપીને ઊંઝા કોર્ટમાં રજૂ કરતાં રિમાન્ડ નામંજૂર કરાયા હતા.





No comments:
Post a Comment