હાર્ટ એટેકની પ્રાથમિક સારવાર માટેની CPR પ્રક્રિયા શીખી
લઈએ જેથી કોઈનું જીવન બચાવી શકીએ---કલેકટરશ્રી આનંદ પટેલ
******
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓને હાર્ટ એટેકમાં પ્રાથમિક
સારવાર માટેની કાર્ડિયો પલ્મોનરી રીસસીટેશન (CPR)ની તાલીમ અપાઈ
અરૂણોદય ન્યૂઝ.
ગુડ ગવર્નન્સ સપ્તાહની ઉજવણી અંતર્ગત પાલનપુર કલેક્ટર કચેરી ખાતે હાર્ટ એટેકમાં પ્રાથમિક સારવાર માટેની કર્મચારીઓને કાર્ડિયો પલ્મોનરી રીસસીટેશન (CPR)ની તાલીમ આપવામાં આવી હતી. બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ તાલીમમાં કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, હાર્ટ એટેકની પ્રાથમિક સારવાર માટે સી.પી.આર. તાલીમ ખૂબ જ ઉપયોગી છે. તેમણે કહ્યુ કે, આ તાલીમ બધાં અઘિકારીઓ અને કર્મચારીઓ શીખીને પોતાના પરિવારના સભ્યોને પણ શિખવાડીએ તેમજ જિલ્લાવાસીઓ પણ યુ-ટ્યુબમાં વિડીયો જોઈને શીખી લેવું જોઈએ જેથી ક્યારેક આકસ્મિક સંજોગોમાં પરિવારના કોઈ સભ્યને નવજીવન આપવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે કહ્યું કે, આપણા દેશમાં નાની ઉંમરે હાર્ટ એટેકનુ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વિટામીન-ડી ની ઉણપ પુરી કરવા રોજ સવારે થોડો સમય સૂર્ય પ્રકાશમાં બેસી વિટામીન ડી ની કમી પૂર્ણ કરીએ.
હાર્ટ એટેક આવે ત્યારે વ્યક્તિને બચાવવા કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતીમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે પાલનપુર સીવીલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શ્રી તરંગ ગોહિલે રિહર્સલ દ્વારા સમજાવ્યું હતું. આ પ્રસંગે ર્ડા. તરંગ ગોહિલે જણાવ્યું હતુ કે, હાર્ટ એટેકના સમયે બે થી ત્રણ મિનીટ ખાસ હોય છે તે સમય યોગ્ય રીતે કાર્ડિયો પલ્મોનરી રીસસીટેશન (CPR) કરવામાં આવે તો કોઈનું જીવન બચાવી શકાય છે. તેમણે કહ્યું કે હાર્ટ એટેક આવે ત્યારે પુખ્તવયના માણસમાં બન્ને ફેફેસાના વચ્ચેના ભાગમાં ૩૦ વખત છાતી ૫ સે.મી. જેટલી દબાય તેવી રીતે પુશઅપ કરી બે વખત મોંઢાથી શ્વાસ આપવો જોઇએ તેમજ એક વર્ષથી નાનું બાળક હોય તો હાથના બે અંગુઠા વડે ૧૫ પુશઅપ ૧ થી ૨ સે.મી. છાતી દબાય તે રીતે પુશઅપ કરી બે શ્વાસ આપવા અને શ્વાસ આપવાની પ્રક્રિયા બે વખત કરવી તેમજ પુશઅપની પ્રક્રિયા ફરીથી કરી શ્વાસોશ્વાસમાં શ્વાસનળી સીધી રાખવી જેથી ઉંડે સુધી શ્વાસ પહોંચાડી શકાય. કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓને સી.પી.આર.ની આ પ્રક્રિયાનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતુ.
આ તાલીમમાં નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, એપેડેમિક મેડીકલ ઑફિસર શ્રી ડૉ. એન. કે. ગર્ગ, સીવીલ સર્જનશ્રી ડૉ. ભરત મિસ્ત્રી સહિત ર્ડાક્ટરો તેમજ કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓમાં ફરજ બજવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




No comments:
Post a Comment