પાલનપુર તાલુકાના જગાણા ખાતે રાજ્ય કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો
અરૂણોદય ન્યૂઝ.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, બનાસકાંઠા આયોજીત રાજ્ય કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા-૨૦૨૧નું આયોજન શ્રીમતી એસ. કે. મહેતા હાઈસ્કૂલ, જગાણા ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતુ કે, યુવા મહોત્સવ દ્વારા અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી શક્તિઓને બહાર લાવતા થયા છે. તેમણે પોતાના બાળપણના સ્મરણોને, પ્રભાતિયા યાદ કર્યા હતાં અને કલાકારોને પોતાના ધ્યેયમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનવાડીયાએ સૌ કલાકારોને પોતાનામાં રહેલી કલાને વધુમાં વધુ ઊંચાઈ પર લઈ જઈ પોતાના સમાજ, ગામ, દેશનું નામ રોશન કરવાના આશીર્વચન પાઠવ્યા હતા. ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઈ ચૌધરીએ યુવાનોને કલા પ્રવૃતિઓમાં અગ્રેસર બનીને ગુજરાતનું નામ રોશન કરવાનો અનુરોધ કર્યો હતો. અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી હિતેશભાઈ ચૌધરી તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નરેન્દ્રસિંહ ચાવડાએ યુવા સ્પર્ધકોને આર્શીવચન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરી બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ સોની દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાજ્યકક્ષા યુવા ઉત્સવમાં ૪૫ જેટલાં કલા, સાહિત્યના નિષ્ણાંત તજજ્ઞોએ સેવા આપી હતી. જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ૩૫૬ સ્પર્ધકો/ સહાયકો જુદી જુદી ૧૫ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી હિંમત કાપડી, શ્રીમતી દ્રષ્ટિ દવે દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યુ હતુ. કચેરીના સમગ્ર સ્ટાફ તેમજ શ્રીમતી એસ. કે. મહેતા હાઈસ્કૂલ જગાણાના આચાર્યશ્રી કરશનભાઈ તેમજ શાળાના સમગ્ર સ્ટાફ અને વ્યાયામ શિક્ષકશ્રી હરેશભાઈ બગલાએ ભારે જહેમત ઉઠાવીને રાજ્ય કક્ષા યુવા ઉત્સવને સફળ બનાવ્યો હતો.




No comments:
Post a Comment