પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાઇ
ઘર વિહોણા લોકોના માથે છત પુરી પાડવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું છેઃ સાંસદશ્રી પરબતભાઇ પટેલ
અરૂણોદય ન્યૂઝ.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પાલનપુર કાનુભાઇ મહેતા હોલ ખાતે સંસદ સભ્યશ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓના સહાય તથા મંજુરી હુકમોનું એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. વડાપ્રધાનશ્રી અટલજીના જન્મદિવસ તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં પણ સરકારના તમામ વિભાગો કાર્યરત હતા પરંતું લોન કે સહાય મેળવવા પગના તળીયા ઘસાઇ જતા હતા. આજે લાભાર્થીઓને શોધી સામેથી જઇને લાભો આપવામાં આવે છે તે સુશાસનનું પરિણામ છે. તેમણે જણાવ્યું કે, ગરીબોને તેમના હકો આપવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક તાલુકા મથકોએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજી લાભો આપવાની શરૂઆત કરાવી હતી. તેવી જ રીતે સુશાસન સપ્તાલહની ઉજવણીના આજે પાંચમા દિવસે સામાજિક ન્યાય અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા છે.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે, તમામ ઘર વિહોણા લોકોના માથે છત પુરી પાડવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું છે. આ સપનાને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના, ર્ડા. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ આવાસ યોજનામાં ઘર બનાવવા લાભાર્થીને સહાય આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ સરકારે ગરીબો, મહિલા અને બાળકોના આરોગ્યની કાળજી લેવા અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ શાળામાં ભણતા તમામ બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂર જણાય સારવાર આપવામાં આવે છે. દવાઓના અભાવે કોઇ દુઃખી ન થાય તે માટે ગરીબ લોકોને રૂ. ૫ લાખ સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં ૮ કરોડ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે જેનાથી બહેનોને ચૂલો ફૂંકવા અને બિમારીઓમાંથી મુક્તિ મળી છે. સાંસદશ્રીએ કહ્યું કે, સરકારના આગોતરા આયોજનના લીધે આપણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી હેમખેમ બહાર નિકળ્યા છીએ. હવે જ્યારે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વર્તાઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઇ છે પરંતું આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઇએ અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ જેથી સુરક્ષિત રહી શકીએ.
રાજ્ય સભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડીયાએ જણાવ્યું હતું કે, તા. ૨૫ ડિસેમ્બર- પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસથી સુશાસન સપ્તાવહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં લાભાર્થીઓ સુધી લાભો પહોંચતા જ નહોતા જ્યારે આજે લાભાર્થીઓને સામેથી લાભ આપવામાં આવી રહ્યાં છે એ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્યસભાના સાંસદશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં યોજનાની સહાય સીધી લાભાર્થીઓ ખાતામાં જમા થાય છે. સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે, સત્તા દ્વારા લોકોની સેવા કરી શકાય તેવા ભાવ સાથે અમારી સરકાર કામ કરે છે ત્યારે સરકારશ્રીની યોજનાઓનો લાભ લઇ આગળ વધીએ.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી હિતેષભાઇ ચૌધરી, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી ર્ડા. અરૂણ આચાર્ય, શ્રી કલાભાઇ મકવાણા, શ્રી હસમુખભાઇ પઢીયાર, શ્રી ચિમનભાઇ સોલંકી, શ્રી ધેંગાભાઇ પરમાર, શ્રી રમેશભાઇ ઝાકેસરા, શ્રી ભરતભાઇ પરમાર, શ્રી અશ્વિન સક્સેના, શ્રી વિજય ચક્રવર્તી, બાલકૃષ્ણ જીરાલા સહિત પદાધિકારીઓ, પ્રાયોજના વહીવટદારશ્રી એમ. બી. ઠાકોર, અ. જા. કલ્યાણ નાયબ બાગાયત નિયામકશ્રી એચ. આર. પરમાર સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




No comments:
Post a Comment