સુપ્રીમ કોર્ટે ગરીબ કેદીઓ માટે જામીનની રકમની ચૂકવણી માટે SOP બદલ્યા
" એક કેદી માટે કેસદીઠ રૂપિયા 50,000 સુધીની રકમસરકાર જમા કરાવશે અને કેદીની પસંદગીનો નિર્ણય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ કરશે
અરૂણોદય ન્યૂઝ
અંડર ટ્રાયલ ગરીબ કેદીઓ માટે રાજ્ય સરકાર દ્વારા જામીનના નાણાં કોર્ટમાં જમા કરાવવા બાબતે SOPમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વના ફેરફાર કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કાનૂની સેવા -સત્તામંડળના માધ્યમથી કોર્ટમાં ગરીબ કેદીઓના જામીનની રકમ કોર્ટમાં જમા કરાવાય છે.
જસ્ટિસ એમ એમ સુંદરેશ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને એમિકસ ક્યુરી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ
લુથરાના સૂચનોને ગ્રાહ્ય રાખી હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી આ કમિટીના સભ્ય રહેશે. જામીન મળ્યાના સાત દિવસની અંદર અંડરટ્રાયલ કેદીને જેલમાંથી મુક્તિ ન મળે તો આ બાબતે જેલ તંત્રએ સત્તામંડળના સેક્રેટરીને જાણ કરવાની રહેશે.
જાણકારી મળ્યા પછી સેક્ટેરી દ્વારા અંડર ટ્રાયલ કેદીની આર્થિક સ્થિતિ, બચત ખાતા વગેરે અંગે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ પાંચ દિવસમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કેદીની આર્થિક સ્થિતિ નબળી જણાય તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની ભલામણના આધારે ડિસ્ટ્રિક્ટ લેવલ એમ્પાવર્ડ કમિટી દ્વારા નાણા ચૂકવવાનો હુકમ થશે. આ કમિટીની બેઠક દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે મળશે. જો આ દિવસે રજા હોય તો તેના પછીના કાર્યકારી દિવસોમાં કમિટીની બેઠક યોજાશે. સુપ્રીમ કોર્ટે વધુમાં ઠરાવ્યુ હતું કે, આર્થિક સહાય માટે પસંદ
થયેલા અંડર ટ્રાયલ કેદીને 'સપોર્ટ ટુ પુઅર પ્રિઝનર સ્કીમ' હેઠળ રૂ.50,000 સુધીની મદદ કરાશે. આ નાણાં ફિક્સ્ડ ડિપોઝિટ અથવા કયા માધ્યમથી આપવા તેનો નિર્ણય કમિટીએ લેવાનો રહેશે. કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયની જાણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ઉપરાંત જેલ સત્તાધિશોને ઈ-મેઈલ મારફતે કરવાની રહેશે. જાણકારી મળ્યાના પાંચ દિવસમાં કોર્ટ સમક્ષ જામીનના નાણાં જમા ન થાય તો છઠ્ઠા દિવસે જેલ તંત્રએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને જાણ કરવાની રહેશે.
કેદીને નિર્દોષ કે કસૂરવાર ઠેરવવાનો નિર્ણય ટ્રાયલ કોર્ટે લેવાનો રહેશે, જેથી આ નાણાં સરકારના ખાતામાં પરત આવશે. આ નાણાનો હેતુ માત્ર ગરીબ કેદીઓને મદદ કરવાનો છે. જામીનની શ્યોરિટી રૂ.50,000થી વધારે હોય તો તેને રૂ. એક લાખ સુધી કરવાનો નિર્ણય કમિટીએ વિવેકાધિન રહીને કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે આ કેસની વધુ સુનાવણી 26 નવેમ્બરે રાખેલી છે.






No comments:
Post a Comment