*ભ્રષ્ટાચાર/ રાજ્યની દૂધ મંડળીઓમાં ભ્રષ્ટાચાર? , ACBએ અમુલ સાથે મળી 1064 ટોલ ફ્રી નંબરના પોસ્ટર લગાવ્યા*
દૂધ મંડળીઓના નોટીસ બોર્ડ, કેશ કલેક્શન સેન્ટર અને બિલ્ડીંગના દરવાજા પર પોસ્ટરો લગાડ્યા
દૂધ ભરવાથી લઈને પશુપાલકોને જેટલા ફેટ તે મુજબ પૈસા મળે તેમાં ભષ્ટ્રાચાર થતો હોય છે
અમદાવાદ: રાજ્યમાં ભ્રષ્ટાચાર દૂર કરવા એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) સતત કાર્યરત છે. ત્યારે રાજ્યની દૂધમંડળીઓમાં પણ હવે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું જણાતાં અમુલની સાથે મળીને ત્યાં ટોલ ફ્રી નંબર 1064ના પોસ્ટરો લગાવ્યા છે.
ભ્રષ્ટાચારની ફરિયાદ થતી નથી
દૂધ ભરવામાં અને પશુપાલકોને જેટલા ફેટ હોય તે મુજબ પૈસા મળે તેમાં પણ મંડળી દ્વારા ભ્રષ્ટાચાર થતો હોય છે. જો કે ખેડૂતો અને પશુપાલકો એસીબી સુધી ફરિયાદ કરી શકતા નથી. જેથી મંડળીમાં થતાં ભ્રષ્ટાચારને રોકવા એસીબીએ દરેક દૂધમંડળીઓમાં એસીબી ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરની જાહેરાતના પોસ્ટર લગાવ્યા છે. દૂધ મંડળીઓના નોટીસ બોર્ડ, કેશ કલેક્શન સેન્ટર અને બિલ્ડીંગના દરવાજા પર પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.
15560 પોસ્ટર્સ લગાડવામાં આવ્યા
એસીબીના અધિકારીઓએ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને અમુલ સાથે 1064 ટોલ ફ્રી નંબરના પોસ્ટર લગાવવા વાતચીત કરી હતી. 20 જેટલી શાખામાં 60000 પોસ્ટર ફાળવ્યા.18000 સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓમાંથી 15560માં પોસ્ટર લગાવ્યા. 1064 હેલ્પલાઈન પર ફરિયાદ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવે છે.
મહિલા, ખેડૂતો અને યુવાનોમાં જાગૃતતા માટે લગાવ્યા
અમદાવાદ એસીબીના ડીવાયએસપી ડી.પી.ચુડાસમાએ જણાવ્યું હતું કે, દૂધ મંડળીઓમાં ગામના લોકોએ દરરોજ એક વાર આવવું જ પડે છે. મહિલાઓ, ખેડૂતો અને યુવાનો જાય છે એટલે તેમને એસીબીના નંબરનો ખ્યાલ આવે માટે પોસ્ટર્સ લગાવ્યા છે.
કોંગ્રેસ નેતાના અર્જુન મોઢવાડીયાએ દુધમંડળીઓમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો
ગત સપ્ટેમ્બર માસમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે, દૂધ મંડળીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હાલ જમીન માપણી કરતા મોટું કૌભાંડ અમૂલમાં થઈ રહ્યું છે. પાછલા બારણે અમૂલનું ખાનગીકરણ થઈ રહ્યું છે. કામધેનુ કંપની દ્વારા બનાવામાં આવતી દૂધની પ્રોડક્ટ પર અમૂલનો સિક્કો મારીને વેચવામાં આવે છે. તેમણે બાબુ બોખરિયાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમના કહેવાથી દૂધમંડળીઓમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી સાથે મળીને તેઓ મોટું કૌભાંડ આચરી રહ્યા છે. અમૂલ પેટર્નની સામે કામધેનુ એન્ટરપ્રાઇઝની કંપનીને પરમિશન આપી દઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર કરીને કામધેનુ એન્ટરપ્રાઇઝની કંપની બનાવામાં આવી છે. પશુ પાલકોને દૂધના પુરતા ભાવ મળતા નથી. 3 ઘણા ભાવ સાથે કામધેનુ કંપનીને કામ આપવામાં આવ્યું છે. આ તમામ પ્રકારનું કૌભાંડ અમૂલના ચેરમેન સાથે મળીને જ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊
 



 


 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment