*સ્કૂલનો કોઇપણ કર્મચારી સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં હશે તો તે સ્કૂલની નોંધણી રદ કરાશે*
માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના
સ્કૂલના ટ્રસ્ટી મંડળ સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિ સ્કૂલમાંથી વેતન કે અન્ય લાભ પણ મેળવી શકશે નહીં
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોઇપણ કર્મચારી સ્કૂલના સંચાલક મંડળમાં ન રહી શકે. જો સ્કૂલનો કોઇપણ કર્મચારી સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં હશે તો તે સ્કૂલની નોંધણી રદ કરાશે તેવી સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. મોટાભાગે ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ તરીકે અથવા વહીવટી કર્મચારી તરીકે કામ કરતા હોય છે.બોર્ડ દ્વારા તમામ ડીઇઓને સૂચના આપવામાં આવી છે કે તમામ સ્કૂલોમાં ચેક કરીને તેની જાણ બોર્ડને કરવામાં આવે. સ્કૂલના ટ્રસ્ટી મંડળ સાથે જોડાયેલ કોઇપણ વ્યક્તિ સ્કૂલમાંથી વેતન કે અન્ય લાભ મેળવી શકે નહીં.
આ તમામ કર્મચારી ગુજરાત પબ્લિક સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ- 1950 નું ઉલ્લંઘન કરે છે. જેથી તેમની સામે કાર્યવાહી થઇ શકે છે. જો સ્કૂલનો કોઇ કર્મચારી સ્કૂલ સંચાલક મંડળમાં હોય તો તેઓએ ત્રણ મહિનામાં એક બાબતની પસંદગી કરવાની રહેશે. સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં કર્મચારીનો સંચાલક મંડળમાં સમાવેશ થયેલો હોય છે. આ ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટી મંડળ સાથે જોડાયેલા સભ્યો પગાર સહિતના લાભ પણ લેતા હોય છે. શિક્ષણ બોર્ડને આ અંગેની કોઈ જાણકારી હોતી નથી.
પરીક્ષા દરમિયાન ટ્રસ્ટી સ્કૂલમાં ન રહી શકે
બોર્ડ દ્વારા જાહેર કરેલી સૂચના મુજબ ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષામાં કોઇપણ ટ્રસ્ટી સ્કૂલમાં હાજર રહી શકશે નહીં. જો કોઇ સ્કૂલમાં ટ્રસ્ટી જ સ્કૂલમાં કર્મચારી હોય તો તે સ્કૂલમાં પરીક્ષાની કોઇ કામગીરી કરવામાં આવશે નહીં. કારણ કે આ બાબત કાયદાની જોગવાઇની વિરુદ્ધ છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊





No comments:
Post a Comment