સુરતના 54 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર શિક્ષણમંત્રીનું નિવેદન, કોર્ટનો નિર્ણય જણાવી ‘હાથ કર્યા અધ્ધર’
શિક્ષણ બોર્ડની માન્યતા વિના ચાલતી અને પોલીસ ફરિયાદને કારણે વિવાદમાં ઘેરાયેલી રાંદેરની પ્રભાતતારા શાળામાં ભણતા ધોરણ-10 અને 12 બોર્ડના 54 વિદ્યાર્થીઓનું ભાવિ રગદોળાઇ જતા મામલો ગરમાયો હતો. આજે વહેલી સવારમાં વિદ્યાર્થીઓ સાથે ચેડા થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલમાં આવીને મોટી તોડફોડ કરી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલમાં હલ્લાબોલ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે, શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે, 25મી ફેબ્રુઆરીએ હોલ ટિકીટ વિદ્યાર્થીઓને મળવાની હતી. પરંતુ સ્કૂલ બોર્ડની માન્યતા વગર ધમધમતી સ્કૂલમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા 54 વિદ્યાર્થીઓને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અજાણ હતા. આજે સ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ તોડફોડ કરતા વિવાદ વકરતા સ્કૂલમાં સંચાલકોએ સ્કૂલને તાળાબંધી કરી હતી.
બીજી બાજુ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુરતના 54 વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાને પગલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સુરતના રાંદેરની પ્રભાતતારા હિન્દી માધ્યમ સ્કૂલ અમાન્ય છે, તેના પર કેસ પણ કરવામાં આવ્યો છે. અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. પરંતુ કોર્ટના નિર્ણય પ્રમાણે, હાલ સુરતના 54 વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.
તો આજે સુરતના આ 54 વિદ્યાર્થીઓએ DEO કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, આજથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે, ત્યારે દરેક મનમાં એવો સવાલ ઉભો થઇ રહ્યો છે કે આ નિર્દોષ બાળકોનું શું? સ્કૂલની ભૂલના કારણે બાળકો સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે? પરંતુ હવે કંઇ થઇ શકે તેમ નથી. શિક્ષણ મંત્રીએ પણ કોર્ટના નિર્ણયને જણાવી દીધો છે. જેથી સુરતના આ 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.
તમને જણાવી દઇએ કે, આ ઘટનામાં સુરતના રાંદેરમાં ચાલતી પ્રભાતતારા હિન્દી માધ્યમ શાળાની બોર્ડની માન્યતા 2016માં રદ થઇ ગઇ હોવા છતાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને બેરોકટોક પ્રવેશ આપતી હતી. સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટના હુકમ બાદ સફાળે જાગેલા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુએ રાંદેર પોલીસ મથકમાં મા દુર્ગા ટ્રસ્ટના ટ્રસ્ટી મંજુબેન સૂર્યદેવ સિંઘ (રહે. 10, લીલાવિહાર સોસાયટી, તાડવાડી), પ્રમુખ અંકિત સુર્યદેવ સિંઘ અને પ્રભાતતારા હિન્દી માધ્યમ શાળાના આચાર્યા ચૌધરી રીટાબેન ઠાકોરભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પોતાના આર્થિક લાભ, મોભા માટે સગીર વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપીને વિદ્યાર્થી અને વાલીઓ સાથે છેતરપિંડી કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાનો ઉલ્લેખ કરાયો છે.
જોકે, હવે શિક્ષણાધિકારીની ફરિયાદ અને બેજવાબદાર સંચાલકો વચ્ચે ધોરણ-10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો મરો થઇ ગયો છે. શાળામાં ધોરણ-10માં 34 અને ધોરણ-12માં ભણતા 20 વિદ્યાર્થીઓને ગુરુવારથી શરૃ થતી બોર્ડ પરીક્ષાની હોલટિકિટ મળી નથી.
છેલ્લા એક અઠવાડિયાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ ચક્કર મારી રહ્યા છે, તેમ છતાં તેઓને હોલટિકિટના નામે વાયદા જ કરવામાં આવી રહ્યા છે. અંતે હવે બુધવારે મોડી સાંજ સુધી હોલટિકિટ ન આવતા શાળા પરિસરમાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓ, વિર્દ્યાિથનીઓની આંખોમાં પાણી આવી ગયા હતા. તેઓની ઉજ્જવળ કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાઇ ગયો હતો.





No comments:
Post a Comment