આતંકવાદ વિરૂદ્ધ ભારત સતત આકરૂ વલણ અપનાવી રહ્યું છે જેનાથી પાકિસ્તાની સૈન્યને એકપછી એક ફટકા પડી રહ્યાં છે. આ કારણે જ સરહદ પર પાકિસ્તાનની સૈન્ય વધારે સાવધ બન્યું છે. તાજેતરના અહેવાલ પ્રમાણે પાકિસ્તાની સૈન્ય જમ્મૂ-કાશ્મીર વિસ્તારમાં લાઈન ઓફ કંટ્રોલ અને પંજાબની સરહદે વધુમાં વધુ જવાનો તૈનાત કરી રહી છે.
પાકિસ્તાન ભારતની સરહદે તેના જવાનોની સંખ્યા સતત વધારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સૈન્ય પહેલાથી જ કાશ્મીર વિસ્તારમાં સરહદ પર પોતાના જવાનોની સંખ્યા વધારી રહ્યું હતું, પણ હવે તેણે પંજાબ સરહદે પણ આમ કરવાનું શરૂ કરી દીધું છે.
ગુપ્તચર અહેવાલ પ્રમાણે પાકિસ્તાની સૈન્યની 4 કોર્પ્સ અને 10 કોર્પ્સ ક્ષેત્રમાં તૈનાતી વધી છે. 4 કોર્પ્સનું હેડક્વાર્ટર લાહોરમાં છે. જેના માથે પંજાબ બોર્ડરની આસપાસની સુરક્ષાની જવાબદારી છે. જ્યારે 10 કોર્પ્સનું હેડક્વાર્ટર રાવલપિંડીમાં છે, જ્યાં પણ ઘણી હલચલ જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને હેડક્વાર્ટ્સના લગભગ 50 ટકા જવાનો સરહદ નજીક આવી ગયા છે. જેમાં મોટા પ્રમાણમાં બખ્તરબંધ હથિયારો અને આર્ટિલરી હથિયારોનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. આ આતંકી હુમલા બાદ ભારતે છેક 70 કિલોમીટર અંદર સુધી ઘુસીને પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી જૈશ-એ-મોહમ્મદના જવાનનો ખુરદો બોલાવી દીધો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે થોડાઘણા અંશે શાંત થયું હતું પરંતુ હજી સરહદે તો ભારેલા અગ્નિ જેવી જ સ્થિતિ યથાવત છે.






No comments:
Post a Comment