ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે (4 એપ્રિલ) છેલ્લો દિવસ હતો. રાજનીતિ માણસને શું નથી કરાવતી તેનું તાજી ઉદાહરણ આજે સુરતમાં જોવા મળ્યું હતું. સુરત લોકસભા બેઠક માટે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ સમયે કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવવા માટે ભેગા થયા હતા, ત્યારે તેમની સાથે રહેલા કાર્યકરો અને લોકો સામસામે આવી ગયા હતા, અને ભારે તણાવની સ્થિતિ સર્જાઇ હતા. આ ઘટનામાં પોલીસે વચ્ચે પડીને બન્ને પાર્ટીઓના કાર્યકરો અને લોકોને છોડાવ્યા હતા.
કલેક્ટર કચેરીના ગેટ પર બન્ને પાર્ટીઓના કાર્યકરો અને લોકોમાં મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. પરંતુ પોલીસે બાજી સંભાળી લીધી હતી. તમને જણાવી દઇએ કે, કોંગ્રેસમાંથી અશોક આધેવાડને ટિકિટ ફાળવી છે, જ્યારે ભાજપે ત્રીજીવાર દર્શના જરદોષને ટિકિટ ફાળવી છે. આજે બંને ઉમેદવારોએ કલેક્ટર ડો. ધવલ પટેલ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી જોગાનુંજોગ બન્ને ઉમેદવારો પોતાના સમર્થકો સાથે એક જ સમયે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તે દરમિયાન કોઇક કારણસર ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા.
ભાજપ દ્વારા મોદી…મોદીના નારા લાગ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચોકીદાર ચોર હેના નારા લગાવ્યા હતા. દરમિયાન ઈશારાઓમાં જોઈ લેવાની વાત અંતે મારમારી સુધી પહોંચી ગઈ હતી.
આ સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને કાર્યકરોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં ફરી બન્ને પાર્ટીઓના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. છેલ્લે મળી રહેલા અહેવાલ મુજબ પોલીસ મામલો શાંત પાડી દીધો છે, અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.





No comments:
Post a Comment