ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧ લી સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર-૨૦૧૯ સુધી મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ, સ્થળાંતરીત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા તથા આ રીતે તમામ મતદારોની વસ્તી વિષયક વિગતો અને ફોટોની ચકાસણી માટે મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સમાં સુધારો કરવા માટે મતદારોને સામેલ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે મતદાર ચકાસણી કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું કે, સો ટકા ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવામાં મતદારો સહભાગી બને. તેમણે મિડીયાને સંબોધતા કહ્યું કે, ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવામાં મિડીયા અને સોશ્યલ મિડીયા પણ ખુબ સારી ભૂમિકા અદા કરી શકે છે.મોબાઇલ નંબર લિંક કરવાથી એસએમએસ દ્વારા મતદારયાદી અંગેની વિગતો પણ મળશે અને નામ કમી થઇ જવાની ફરીયાદોનો પણ અંત આવશે. કલેકટરશ્રીએ બનાસકાંઠા જિલ્લાના મતદારોને અપીલ કરતાં કહ્યું કે, આજ તા.૧ સપ્ટેમ્બર-૨૦૧૯થી મતદાર ચકાસણી કાર્યક્રમ (Elector Verification Programm) શરૂ થયો છે. જેમા મતદાર પોતાનું તેમજ કુંટુંબની અને તેમના મતદાન મથકની ચકાસણી કરી શકે છે. આ માટે મતદાર પોતે www.nvsp.in પોર્ટલનો ઉપયોગ કરી નીચેનામાંથી કોઇ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે. જેમાં ૧. ભારતીય પાસપોર્ટ, ૨. ડ્રાઇવિંગ લાઇસન્સ, ૩.આધાર કાર્ડ, ૪. રેશનકાર્ડ, ૫. સરકારી/અર્ધ સરકારી ઓળખ કાર્ડ, ૬. બેંક પાસબુક, ૭. ખેડુત ઓળખકાર્ડ (ગમે તે પૈકી એક દસ્વાજેત રજૂ કરીને) ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકે છે. જે મતદારો એન્ડ્રોઇડ ફોન ધારકો છે તેઓ પ્લે સ્ટોરમાં જઇ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ ડાઉનલોડ કરીને પણ પોતાની અને પોતાના કુંટુંબની વિગતોમાં જે સુધારા-વધારા કરવાના છે તે જાતે જ ઘેરબેઠાં કરી શકે છે. એનવીએસપી પોર્ટલ, બી.એલ.ઓ., ઇગ્રામ કેન્દ્રો, નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે રૂબરૂ મુલાકાત લઇને પણ ચકાસણી કરી શકાશે. ૫. દિવ્યાંગ મતદારો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ મારફત આ સુવિધાનો લાભ લઇ શકશે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ ઠક્કરે મોબાઇલ એપ ડાઉનલોડ કરવા અને તેના ઉપયોગ અંગે માહિતી આપી હતી. પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એ.ડી.જોષીએ એનવીએસપી પોર્ટલનો ઉપયોગ કરીને કેવી રીતે મતદારયાદીમાં સુધારા-વધારા કરી શકાય તેની જાણકારી આપી હતાં. કાર્યક્રમના લોન્ચીંગ વખતે નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, મામલતદારશ્રી નિનામા, ના.મામલતદારશ્રી શેખલીયા સહિત ચૂંટણીનો સ્ટાફ અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અરૂણોદય ન્યૂઝ




No comments:
Post a Comment