૮-થરાદ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત
છેલ્લા ૪૮ કલાક દરમ્યાન રાજકીય પક્ષો,
ઉમેદવારો અને ચૂંટણીતંત્રએ લેવાની તકેદારીઓ.
(માહિતી બ્યુરો,પાલનપુર)
૮-થરાદ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ માટે તા.૨૧ ઓકટોબર-૨૦૧૯ના રોજ મતદાન યોજાનાર છે. આજ તા.૧૯/૧૦/૨૦૧૯ના સાંજના ૬.૦૦ વાગ્યાથી ચૂંટણી પ્રચારનો અંત આવતા પ્રચારના પડઘમ શાંત થયા છે. સાંજના ૬.૦૦ વાગ્યા પછી જાહેર સભા યોજના પ્રતિબંધ લાદવામાં આવતા સીઆરપીસી-૧૯૭૩ની કલમ-૧૪૪ અંતર્ગત કરેલ હુકમોનો અમલ કરવાનો રહેશે. પ્રચારનો સમયગાળો પૂર્ણ થયા બાદ મતદારો ન હોય તેવા રાજકીય કાર્યકરો, પક્ષ કાર્યકરો વગેરેએ મતવિભાગ છોડી દેવાનો રહેશે. છેલ્લા ૪૮ કલાક દરમ્યાન સંસદસભ્ય/ધારાસભ્ય જે મતવિભાગમાંથી ચૂંટાયેલા હોય તે મતવિભાગમાં જ રોકાઇ શકે છે પરંતુ પ્રચાર કરી શકશે નહીં. આ માટે પોલીસ વહીવટીતંત્ર દ્વારા કલ્યાણ મંડપો/સામુદાયિક હોલ/ સમાજની વાડીઓ, હોટેલ્સ, ધર્મશાળાઓ, અતિથિભવનો વગેરેની ચકાસણી કરવામાં આવશે. ચેકપોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર-જવરની તપાસ કરવામાં આવશે.
છેલ્લા ૪૮ કલાકમાં લાઉડ સ્પીકરનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દારૂ, બિન હિસાબી રોકડ, અન્ય વિસ્તારોમાંથી અસામાજિક તત્વોની હેરફેર તથા હથિયારો તેમજ દારૂગોળાની રાજય અંતર્ગત તથા આંતર-રાજય/આંતર રાષ્ટ્રીય સરહદો સીલ કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન ગેસ્ટહાઉસ, હોટેલ્સ, ધર્મશાળા, રહેવાની સવલત ધરાવતા ધાર્મિક સ્થળોએ લોકોને રાજકીય હેતુસર એકઠા ન કરવામાં આવે તેની તકેદારી રખાશે. ત્વરીત ટુકડીઓ(એફએસ) તથા સ્થાયી જાપ્તા ટુકડી(એસએસટી)૨૪ કલાક કાર્યરત રહેશે. નાગરિકો ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર તથા સીવિજીલ એપ્લીકેશન મારફત ફરીયાદ કરી શકશે. તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ સવારના ૭.૦૦ વાગ્યાથી સાંજના ૬.૩૦ કલાક સુધી એક્ઝીટ પોલ પર પ્રતિબંધ રહેશે. મતદાન પૂર્ણ થવાના કલાક સાથેના છેલ્લા ૪૮ કલાક દરમ્યાન ઓપનીયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે. કોઇપણ સંજોગોમાં છેલ્લા ૪૮ કલાકમાં ફ્લાઇંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમને બરખાસ્ત કરવામાં આવશે નહીં. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરના તા.૦૭/૧૦/૨૦૧૯ના પત્રથી મળેલ સુચના પ્રમાણે ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ હોઇ, કોઇપણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે પ્રચારનો અંત આવતા જે તે મતવિભાગ છોડીને જતા રહે તેની ખાત્રી કરવામાં આવશે. જે તે સંસદસભ્ય/ધારાસભ્ય જે તે સંસદીય/મત વિભાગમાં ચૂંટાયેલા હોય તે જ મતવિભાગમાં રોકાશે અને અન્ય મતવિભાગની મુલાકાત લેશે નહી.
 



 


 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment