લોકડાઉન દરમ્યાન લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિયઃ પાસનો દુરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થશે
--કલેકટરશ્રી સંદીપ સાગલે
(માહિતી બ્યુરો, પાલનપુર)
લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ લોકોને ઘેરબેઠાં સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે તેમ બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ મિડીયાને મુલાકાત આપતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં લોક ડાઉનનું સંપૂર્ણ અમલીકરણ થાય, લોકો કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેકટરશ્રીએ કહ્યું કે, જીવન જરૂરીયાતની બધી જ વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, ફળફળાદી વગેરે લોકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજીની લારીઓ, મેડીકલ સ્ટોર્સ અને કરીયાણાની દુકાનો વગેરેને પાસ આપવામાં આવ્યા છે. પરંતું આ પાસનો દુરઉપયોગ ન થાય, લોકો બિન જરૂરી અવર-જવર ન કરે તે માટે પાસનો દુરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને ઘરમાં રહી સુરક્ષીત રહેવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને સંપૂર્ણ રીતે મદદરૂપ થવા કલેકટરશ્રીના માર્ગદર્શન અનુસાર સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર સંવેદનશીલ અભિગમ સાથે સક્રિય અને સજ્જ છે. જિલ્લા વહીવટીતંત્રના અભિગમને લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે.





No comments:
Post a Comment