૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુ પછી 31 માર્ચ સુધી ચાલુ રાખીએ
COMPLETE LOCK DOWN અનિવાર્ય
.
જે રીતે કોરોના વાયરસના પોઝિટીવ કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. તેમ છતાં હજુ વાસ્તવિક પરિસ્થિતિ કાબુ બહાર ગઈ નથી. આપણે હજુ બીજા ફેઝમાં જ છીએ. ત્રીજા ફેઝમાં દાખલ થયા નથી. સ્થાનિક લોકો સંક્રમિત થાય તો આપણે ત્રીજા ફેઝમાં દાખલ થયા કહેવાય. જો આપણે ત્રીજા ફેઝમાં દાખલ થઈશું તો પરિસ્થિતિ ગમે તે રીતે પલટી શકે છે. એટલે હવે અંધારામાં રહેવાય તેવું નથી. સૌએ ગભરાઈ જવું અને “પેનિક”ના સ્ટેજમાં આવીને ઉલટસુલટ નિર્ણયો લેવા એવું કહેવાનો મારો મતલબ નથી. પરંતુ હવેના બે અઠવાડિયા સવિશેષ તકેદારી અને સતર્કતાના છે એ અંગે કોઈ જ ના પાડી શકશે નહીં. એટલે જ ગઈકાલે વડાપ્રધાન મોદીએ સાચું જ કહ્યું હતું કે “ભારત જેવા ૧૩૦ કરોડની આબાદીવાળા દેશ સામે કોરોનાનું સંકટ સામાન્ય વાત નથી. આજે જ્યારે મોટા અને વિકસિત દેશોમાં આપણે આ મહામારીનો વ્યાપક પ્રભાવ જોઇ રહ્યા છીએ તો ભારત પર તેનો કોઇ પ્રભાવ નહીં પડે તે માનવું ખોટું છે.” દેશ માં પીએમ ધવરા ફરી એકવાર લાંબી લડાઈ માટે અપીલ કરવા માં આવી છે દેશમાં કોરોના નો ફેલાવો બે કાબુ થતો રોકવા માટે 22 માર્ચ કરવા માં આવેલ જનતા કરફ્યુ સફળ રહ્યો તમામ રાજ્યો ના ભીડભાડ વાળા વિસ્તાર અને રસ્તા ઓ સુમસામ દેખાયા , લોકો ઘરની બહાર ના નીકળ્યાં અને જનતા કરફ્યુ ને સફળ બનાવેલ હવે આ જનતા કરફ્યુ 9 દિવસ ચાલુ રાખી કોરોના વાયરસ ના ચેપ ની ચેન ને તોડવા ઘર માં રહી બહાર ન નીકળી સ્વંયમ શિસ્ત થી સરકાર ની ગાઈડ લાઈન મુજબ સંપૂર્ણ જવાબદારી સાથે ચાલુ રાખીએ.
.
આજસુધી ભારત દેશે ખુબ જ સતર્કતા રાખીને સાવચેતીના તમામ નિર્ણયો લીધા છે અને એને કારણે કોરોના વાયરસની બિમારી ત્રીજા ફેઝમાં પ્રવેશી શકી નથી. પરંતુ હવે સરકારે તેનું કામ કરી દીધું છે. હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે. જો આપણે સાવચેત અને સચેત નહીં રહીએ તો જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો કોરોનાના પોઝિટીવ કેસ દિવસે નહીં વધે એટલા રાત્રે વધી શકે છે. ઈરાન, ઇટલી અને સ્પેનના દાખલા આપણી નજર સામે જ છે.
-------------------
અન્ય દેશોની ટ્રેન્ડ
-------------------
ઈરાનમાં ત્રીજા અઠવાડિયામાં માત્ર ૨૪૫ પોઝિટીવ કેસ હતા અને ત્યાર પછીના બે અઠવાડિયામાં તે વધીને ૧૨,૭૨૯ થઇ ગયા હતા અને આજે તે છઠ્ઠા અઠવાડિયાના અંતે ૧૮,૪૦૭ છે. એટલે કે ત્રણ અઠવાડિયામાં જ ૨૪૫થી વધીને ૧૮,૪૦૭ થયા છે.
.
ઇટલીમાં ત્રીજા અઠવાડિયામાં માત્ર ૧,૦૩૬ પોઝિટીવ કેસ હતા અને ત્યાર પછીના બે અઠવાડિયામાં તે વધીને ૨૧,૧૫૭ થઇ ગયા હતા અને આજે તે છઠ્ઠા અઠવાડિયાના અંતે ૪૧,૦૩૫ છે. એટલે કે ત્રણ અઠવાડિયામાં જ ૧,૦૩૬થી વધીને ૪૧,૦૩૫ થયા છે.
.
સ્પેનમાં માર્ચ ૦૪ના રોજ માત્ર ૨૨૮ પોઝિટીવ કેસ હતા તે માર્ચ ૧૯ના રોજ વધીને ૧૮,૦૭૭ થઇ ગયા છે. એટલે કે માત્ર ૧૪ દિવસમાં જ ૨૨૮ ઉપરથી વધીને સીધા ૧૮,૦૭૭ થઇ ગયા છે.
.
જર્મનીમાં માર્ચ ૦૪ના રોજ માત્ર ૨૬૨ પોઝિટીવ કેસ હતા તે માર્ચ ૧૯ના રોજ વધીને ૧૫,૩૨૦ થઇ ગયા છે. એટલે કે માત્ર ૧૪ દિવસમાં જ ૨૬૨ ઉપરથી વધીને સીધા ૧૫,૩૨૦ થઇ ગયા છે.
.
અમેરિકામાં માર્ચ ૦૮ના રોજ માત્ર ૫૪૧ પોઝિટીવ કેસ હતા તે માર્ચ ૧૯ના રોજ વધીને ૧૪,૩૬૬ થઇ ગયા છે. એટલે કે માત્ર ૧૦ દિવસમાં જ ૫૪૧ ઉપરથી વધીને સીધા ૧૪,૩૬૬ થઇ ગયા છે.
.
ત્રીજા અઠવાડિયા પછી ઈરાનમાં ૨૪૫ (હાલમાં ૧૮,૪૦૭), સ્પેનમાં ૨૨૮ (૧૪ દિવસમાં ૧૮,૦૭૭), જર્મની ૨૬૨ (૧૪ દિવસમાં ૧૫,૩૨૦) અને અમેરિકામાં માત્ર ૫૪૧ (૧૦ દિવસમાં ૧૪,૩૬૬) પોઝિટીવ કેસ હતા.
------------------
ભારત ક્યાં...???
------------------
ભારતમાં આજે ત્રીજા અઠવાડિયાના અંતે પોઝિટીવ કેસ ૨૦૬ છે.22મી માર્ચ સુધી દેશમાં 27 નવા કેશ નોંધાયા કુલ 372 થયા, પાંચમા અને છઠ્ઠા અઠવાડિયા પછી ભારત ક્યાં?? આ પ્રશ્નનો જવાબ આજે કોઈ આપી શકે તેમ નથી. હજુ આપણે સ્થાનિક સંક્રમણ શરુ થયું નથી. હજુ મોટાભાગના પોઝિટીવ કેસ વિદેશથી આવેલા કે તેની સાથે સંસર્ગમાં આવેલા લોકોના કેસ જ પોઝિટીવ આવ્યા છે.
.
પરંતુ આ ૧૩૦ કરોડનો દેશ છે. જો માત્ર દર દસ લાખે માત્ર બે વ્યક્તિના મોત થાય તો પોઝિટીવ કેસનો આંકડો કેટલો થઇ શકે છે તેની કલ્પના કરતા કંપારી છૂટી જાય છે. કોરોના વાયરસમાં હાલમાં મૃત્ય દર ૨%ની નીચે છે. એટલે કે જો ભારતમાં દર દસ લાખે માત્ર બે વ્યકિતના મોત થાય તો પોઝિટીવ કેસની સંખ્યા કેટલી? ભારતમાં સતર્કતા ન રાખવામાં આવે અને સાવચેત ન રહેવામાં આવે તો છ અઠવાડિયા પછી એટલે કે ૧૦ એપ્રિલથી ૧૫ એપ્રિલની વચ્ચે ભારતમાં પોઝિટીવ કેસની સંખ્યા ૧,૩૦,૦૦૦ જેટલી થઇ શકે છે.
.
વૈશ્વિક ટ્રેન્ડ આધારિત આ અનુમાન છે. ભારતમાં જે હવામાન છે એટલે કે ગરમી છે તે ભારતમાં પોઝિટીવ કેસ ન વધે તેમાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ તેની સામે ભારતમાં વસ્તીની ગીચતા ચીન કરતા પણ વધારે છે તેને પણ ધ્યાનમાં રાખવું પડે. હકીકતમાં જોઈએ તો ભારત આજે એક કોરોના વાયરસ નામના એક જીવતા બોમ્બ ઉપર બેઠું છે. આ વાતને કોઈ નકારી કાઢી શકે નહીં. આનંદ એ વાતનો છે કે ભારત સરકારને પરિસ્થિતિ કેટલી ગંભીર થઇ શકે છે તેનો પુરેપુરો ખ્યાલ છે તે ગઈરાતના વડાપ્રધાનના સંબોધનમાં દેખાઈ આવે છે. દેશ ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો તેની સામે લડવા માટે તૈયાર અને સક્ષમ દેખાઈ રહ્યો છે.
.
પરંતુ... ... ...
.
ભારત સરકાર સહિત સૌને નમ્ર વિનંતી છે કે આપણે સૌ ઓછામાં ઓછા દસ દિવસ અને વધારેમાં વધારે પંદર દિવસ માટે તમામ ધંધા-રોજગાર બંધ કરીને ઘરમાં જ “પુરાઈ” રહીએ. આ જ સર્વોત્તમ માર્ગ છે. કોરોનાને હરાવવા માટે “ઘરમાં પુરાઈ રહેવું” એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેની પાછળનું કારણ એ છે કે કોરોના વાયરસ એક ચેઈન ઉભી કરે છે. જો આપણે સૌ દસથી પંદર દિવસ સુધી “ઘરમાં પુરાઈ રહીશું” તો આ ચેઈન ઉભી જ નહીં થાય. ઘરમાં એક વ્યક્તિ પોઝિટીવ આવે તો તેની સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ જાતે જ પોતાની જાતને કે રૂમમાં પૂરી દેવાની રહેશે કે જેથી પોઝિટીવ કેસની ચેઈન ઉભી જ ન થાય. પોઝિટીવ આવેલી વ્યક્તિએ તો જ્યાં સુધી નેગેટીવ રીપોર્ટ ન આવે ત્યાં સુધી હોસ્પિટલમાં ખાસ રીતે ઉભા કરેલા “આઇસોલેશન વોર્ડ”માં જ રહેવાનું અનિવાર્ય છે જ.
.
જો આપણે વાયરસની ચેઈનને તોડવામાં સફળ રહ્યા તો કોરોના વાયરસ ભારતનો વાળ વાંકો કરી શકશે નહીં.
------------------------------
પ્રત્યેક પરિવારને નમ્ર વિનંતી
------------------------------
આપણી સાવચેતી એ કુટુંબને તો બચાવશે જ પરંતુ સાથે સાથે શહેર અને દેશને રોગગ્રસ્ત બનાવતા રોકી શકીશું. આ પણ એક રીતની દેશહિતમાં કરેલી સેવા જ છે. ભારતના પ્રત્યેક નાગરિકને વિનંતી છે કે નીચે દર્શાવેલા પગલાં દરેક પરિવાર દેશહિત માટે લે:
.
(૦૧) તમારા ઘરે કોઈપણ બેસવા આવે કે મળવા આવે તો કોઈપણ જાતની શેહ-શરમ કે સંકોચ વગર ચોખ્ખી ના પાડી દેજો. તેમને કહી દેજો કે ૧૫ એપ્રિલ સુધી તમે કે તમારા પરિવારની કોઈપણ વ્યક્તિ કોઈને પણ મળી શકશે નહીં.
.
(૦૨) એવી જ રીતે તમે કે તમારા પરિવારની કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કોઈને પણ મળવા માટે ૧૫ એપ્રિલ સુધી જશે નહીં એની સવિશેષ કાળજી સૌ રાખશે.
.
(૦૩) ખુબ જ અંગત વ્યક્તિ બિમાર હોય તો તેની ખબર કાઢવા પણ ૧૫ એપ્રિલ સુધી જવું નહીં. સમાજમાં કે કુટુંબમાં કોઈને ખરાબ લાગશે તો શું – એવું વિચારવું નહીં. પરિવારને કે સમાજને તો પછી મનાવી લેવાશે પરંતુ અત્યારે દેશહિત જ સૌથી અગત્યનું છે.
.
(૦૪) સરકાર પ્રતિબંધો જાહેર કરે કે ન કરે – તમામે પોતપોતાના ધંધા-રોજગાર બંધ કરીને ઘરે જ બેસવું. નોકરીની જગ્યાએ રજા મૂકી દેવી. સરકારે નક્કી કર્યા પ્રમાણે કોઈપણ માલિક આ રજાઓનો પગાર કાપી શકશે નહીં.
પરંતુ જો પગાર કપાઈ પણ જાય તો એપ્રિલ ૧૫ સુધી તેને સહન કરી લેવું. આવનારા સમયમાં બીજી કોઈ રીતે તે નુકશાન ભરપાઈ થઇ શકશે. જો શક્ય હોય તો “વર્ક ફ્રોમ હોમ” કરી શકાય.
.
(૦૫) જેઓ રોજ કમાઈને રોજ પેટ ભરે છે અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓએ પણ પોતપોતાના નાના રોજગાર-ધંધા-મજુરી બંધ રાખવી.
આવા પરિવારોના ભોજન અને આરોગ્યની વ્યવસ્થા સરકારી તંત્રે ધાર્મિક સંસ્થાનો અને એનજીઓની મદદથી કરવી. તેઓને બે સમયનું ભોજન અને ચા-નાસ્તો યોગ્ય સમયે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી આજના સમયમાં અનિવાર્ય છે.
ગુજરાતના એનજીઓ જયારે જયારે રાજ્ય ઉપર આફત આવી છે ત્યારે આવી સેવા કરવા માટે ક્યારેય પાછા પડ્યા નથી.
.
(૦૬) ધાર્મિક સ્થળોમાં અવરજવર ઉપર પ્રતિબંધ મુકવો અનિવાર્ય છે. જેઓએ દેશ પ્રત્યેની પવિત્ર ફરજ સમજીને ધર્મસ્થળો અને ધાર્મિક મેળાવડાઓ અને ધાર્મિક સભાઓ મોકુફ રાખી છે તેઓ પ્રસંશાને પાત્ર છે.
પરંતુ જેઓએ તેમ નથી કર્યું અને હજુ ધર્મસ્થાનોમાં લોકોનો સમૂહ એકત્રિત થાય છે તેવા તમામ ધર્મસ્થાનો ઉપર સમૂહના એકત્રિત થવા ઉપર હવેના બે અઠવાડિયા માટે કાનૂની રીતે પ્રતિબંધ મુકવો હવે અનિવાર્ય છે. સરકારે દ્રઢતાથી આ પગલું લેવું જ રહ્યું.
-----
અંતે
-----
“જનતા કરફ્યુ”ના કાર્યક્રમ બાદ લોકોનો પ્રતિભાવ બહુ ન મળે તો સમગ્ર દેશને બે અઠવાડિયા માટે COMPLETE LOCK DOWN કરવો હવે અનિવાર્ય બની ગયો છે. હવે બહુ રાહ જોઈ શકાય તેમ નથી. રાહ જોવામાં કોરોના કાબુ બહાર જઈ શકે છે. આથી ભારત સરકાર કે જે ખરેખર સતર્ક તો છે જ પરંતુ હવે કડકાઈથી COMPLETE LOCK DOWNનું પગલું ઉઠાવવાનો સમય પાકી ગયો છે.
.
તેમાં મોડું કરવામાં આજ સુધી રાખેલી સાવચેતી અને સતર્કતા ધોવાઇ જઈ શકે છે.અને સરકાર જયારે COMPLETE LOCK DOWN કરે તે સમયે દેશમાં ખોટો ગભરાટ ન ફેલાય અને સરકારના પગલાને દેશના તમામ નાગરિકો ટેકો કરે એ જ આજના સમયની અનિવાર્યતા છે.
.
આપણી સતર્કતા અને સાવચેતી માટે સરકાર દ્વારા લેવાયેલા અને લેવામાં આવનારા કડક પગલાંને આવકારીને ટેકો કરવો એ જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય છે.







No comments:
Post a Comment