વિરમગામમાં ASI પર નગરસેવિકાના પતિ સહિત ત્રણનો છરી વડે હુમલો પોલીસે એક આરોપીને દબોચ્યો , અન્ય બેની શોધખોળ આદરી
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ
અમદાવાદ જિલ્લાના તાલુકા મથક વિરમગામ શહેરમાં બુધવારની સાંજે પોલીસ લાઈન વિસ્તારમાં વોર્ડ નં .૩ ના નગરસેવિકાના પતિ હાર્દિક રાઠોડે અન્ય બે વ્યક્તિ સાથે મળીને શહેરના કોઠારી બાગ પોલીસ ચોકીના ઈન્ચાર્જ એએસઆઈ પર છરી વડે જીવલેણ હુમલો કરીને રૂપિયા ૨૨૦૦ ની લુંટ ચલાવતા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી . જોકે ઇજાગ્રસ્ત એએસઆઈએ હુમલાખોરનો
સામનો કરી એક આરોપીને દબોચી લઈને પોલીસ મથકના હવાલે કર્યો હતો . જ્યારે અન્ય બે નાસી છુટયા હતા . પોલીસે હાર્દિક ગિરિશભાઈ રાઠોડ , ધર્મેશ પારથી સહિત કુલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી . એએસઆઈ હરેશભાઈ ડાયાભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોલીસ લાઈન ગ્રાઉન્ડમાં ફરી રહ્યા હતા , દરમિયાનમાં હાર્દિક ગિરિશભાઈ રાઠોડ , ધર્મેશ પારઘી અને એક અજાણ્યો મળી કુલ ત્રણ વ્યક્તિ
બુધવારે સાંજે તેમની પાસે આવ્યા હતા . તેમજ હાર્દિકે જણાવ્યું હતુ કે તમારા વિરુદ્ધમાં આક્ષેપ કરતી અરજી છે . જો પૈસા આપો તો મામલો પતી જશે . જેથી તેમણે જે અરજી હોય તેના પર કાયદેસર કરવા જણાવી પૈસા આપવા ઇન્કાર કર્યો હતો . જેથી બે શખ્સોએ તેમને પકડી રાખ્યા હતા , જ્યારે હાર્દિકે છરી ગળા પર મુકીને માર માર્યો હતો . આ સમયે એએસઆઈએ સામનો કરી હુમલાખોર હાર્દિકને દબોચી લીધો હતો . જ્યારે અન્ય બે નાસી છુટયા હતા .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment