આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત
અમદાવાદ ISRO ની વિક્રમ સારાભાઇ સ્પેશ એપ્લીકેશન સંસ્થા દ્વારા
વડગામ કેશરબા જાડેજા વિધાસંકુલ ખાતે પ્રદર્શન યોજાયું
ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા વડગામ તાલુકાની શાળાના
બાળકોને અંતરીક્ષ યાન વિશે માહિતી અને માર્ગદર્શન અપાયું
અરૂણોદય ન્યૂઝ.
દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના અવસરની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ઇસરોની વિક્રમ સારાભાઇ સ્પેશ એપ્લીકેશન સંસ્થા દ્વારા બનાસકાંઠા જિલ્લાના વડગામ કેશરબા જાડેજા વિધાસંકુલ ખાતે પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિક્રમ સારાભાઇ સ્પેશ એપ્લીકેશન સંસ્થાના એક્ઝીબિશન હેડ શ્રી એન. જે. ભટ્ટ, નિવૃત્ત ડે. ડાયરેકટરશ્રી હેમેન્દ્ર કંસારા, ઇસરોના વૈજ્ઞાનિકોશ્રી જયંતભાઇ જોષી અને શ્રી વી. એમ. પટેલ દ્વારા વડગામ તાલુકાની શાળાના બાળકોને અંતરીક્ષ યાન વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ઇસરોના શ્રી એન. જે. ભટ્ટે વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા જણાવ્યુ કે, આજથી ૫૦ વર્ષ પહેલાં વિક્રમ સારાભાઇના એક વિચારમાંથી અમદાવાદમાં ઇસરોની સ્થાપના કરવામાં આવી હતી. ટેકનોલોજીના વિકાસથી સમાજની પ્રગતિ અને દેશનો વિકાસ થાય છે. તેમણે કહ્યું કે, ઇસરોના અંતરીક્ષ ક્ષેત્રના સંશોધનોથી તમે બધા પરિચીત છો જ એટલે આ પ્રદર્શન જોઇને આ અંગે પ્રશ્નો પુછીને પણ વધુ જાણકારી મેળવવા તેમણે વિધાર્થીઓને કહ્યું હતું.
આ પ્રદર્શનને કેશરબા જાડેજા વિધાસંકુલના એમ. ડી. શ્રી ર્ડા. જસવંતસિંહ જાડેજાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અગ્રણીઓ શ્રી બાલકૃષ્ણ જીરાલા સહિત વડગામ તાલુકાની શાળાઓના શિક્ષકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઇસરો દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ગાયત્રી વિધાલય થરાદ, અદ્વૈત વિધામંદિર જસરા, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને વડગામ ખાતે આ પ્રદર્શન યોજાયું છે. આગામી તા. ૩ જાન્યુઆરી-૨૦૨૨, સોમવારના રોજ આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાંતા તાલુકામાં રાજમણી વિધાલય સણાલી ખાતે ઇસરોનું પ્રદર્શન યોજાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું છે.




No comments:
Post a Comment