પાલનપુર ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ સભ્ય શ્રીમતી ડૉ. રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો
પાલનપુર શ્રી કાનુભાઇ મહેતા હોલ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ સભ્ય શ્રીમતી ડૉ. રાજુલબેન દેસાઇ દ્વારા મહિલાઓને કાનૂની માર્ગદર્શન અપાયુ
અરૂણોદય ન્યૂઝ.
બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને ડૉ. રાજુલ દેસાઇ હસ્તે પ્રોત્સાહન ઈનામ વિતરણ કરાયું
પાલનપુર મુકામે શ્રી કાનુભાઈ મહેતા હૉલ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ડૉ. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત મહિલાલક્ષી યોજનાઓ તથા કાયદાકીય માર્ગદર્શન તથા વ્હાલી દિકરી યોજનામાં શ્રેષ્ઠષ કામગીરી કરનાર આંગણવાડી વર્કર, આશા વર્કર અને તેડાગર બહેનોને પ્રોત્સાહન ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ડૉ. રાજુલબેન દેસાઇએ મહિલાઓને સાઇબર ક્રાઇમ વિશે વાત કરતાં કહ્યું કે, સમય બદલાતા ગુન્હાઓના પ્રકારો પણ બદલાયા છે. આજે સોશ્યલ મિડીયામાં મહિલાઓની જાણ બહાર તેમના ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેની મહિલાઓને ખબર પણ હોતી નથી અને તેનો દુરઉપયોગ કરવામાં આવતો હોય છે
ત્યારે મહિલાઓ ઘેર બેઠા ઓનલાઇન ફરીયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાવી શકે તે માટે www.cybercrime.gov.in પોર્ટલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરિયાદીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે તેથી ભોગ બનનાર મહિલા વિના સંકોચે ડર રાખ્યા વગર ફરિયાદ નોંધાવીને આવી પરિસ્થિતિમાં મદદ મેળવી શકે છે.
તેમણે કહ્યું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક કુંટુંબમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકશન આપીને મહિલાઓને ચૂલા ફૂંકવામાંથી મુક્તિ અપાવી છે. તેમણે કહ્યું કે, મહિલાઓના દુઃખને દૂર કરવા માટે કોઈપણ બહેન દુ:ખી હોય ત્યારે તેને રહેવા, જમવાની તથા કાનૂની સહાય અને સલાહ એક જ જગ્યાએ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ વિનામૂલ્યે પાંચ દિવસ સુધી રહી શકે છે. તેમણે કહ્યું કે, કોઈ મહિલાને મદદની જરૂર હોય ત્યારે તેને સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચાડવાની જવાબદારી મહિલા સરપંચ, મહિલા તલાટી, આંગણવાડી વર્કર, આશા વર્કરની બહેનોની છે. તેમણે ઉમેર્યુ કે, ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સરપંચ, મહિલા તલાટી, આંગણવાડી વર્કર, આશા વર્કર આ વાત મહિલાઓ સમક્ષ મૂકીને દુખીયારી બહેનોના દુઃખ દૂર કરવાનું કામ કરી સમાધાન લાવી શકે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી સુલોચનાબેન પટેલ, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઉષાબેન ગજ્જર, દહેજ સંરક્ષણ અધિકારી શ્રીમતી રમીલાબા રાઠોડ, મહિલા સરપંચશ્રીઓ, મહિલા તલાટીશ્રીઓ, આંગણવાડી વર્કર તેમજ આશા વર્કર બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




No comments:
Post a Comment